Get The App

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી 1 - image


Ganeshotsav 2025 : કેન્દ્ર સરકારની દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત તરસાલી શરદનગરની પરિશ્રમ સખી મંડળની બહેનોએ સરકારી યોજનાનો લાભ લઈ તેમાં આજીવિકા મેળવી છે. જે અંતર્ગત બહેનોએ છાણા, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી તૈયાર કરેલી 250થી વધુ મૂર્તિઓને વેચીને કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં આ બહેનોએ અંદાજે 450 જેટલી મૂર્તિઓનું વેચાણ કરી સરકારની યોજનાનો સફળ લાભ લીધો છે. 

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ મહિલાઓને પગભર થવાના હેતુસર એનયુએલએમ યોજના હેઠળ 10 બહેનોનું પરિશ્રમ સખીમંડળ બનાવી તેઓને બચત કરતા શીખવે છે. આ સાથે સરકાર મંડળને રૂ.10,000 રિવોલ્વિંગ ફંડ એટલે કે નાણાં પરત નહીં આપવા સાથે યોજના હેઠળ ઉપયોગમાં આપતી હોય છે. જે અંતર્ગત વિવિધ સખી મંડળો પોતાની આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરતી હોય છે અને પગભર થતી હોય છે. તરસાલીના શરદનગરની પરિશ્રમ સખી મંડળની બહેનો દ્વારા વર્ષ 2022થી સરકારની યોજનાનો લાભ લેવા સાથે ગણેશજીની મૂર્તિઓ બનાવી તેને વિવિધ શહેરો અને અન્ય રાજ્યમાં તે વેચી આવક ઊભી કરી છે. જે એમની એક મોટી સફળતા છે. સખી મંડળની બહેનોએ શાકભાજી, પાંદડામાંથી ખાતર બનાવે છે અને એ ખાતરનો ઉપયોગ કરીને ગણેશજીની વિવિધ આકારની પ્રતિમા બનાવવામાં આવી છે. ગણેશજીની મૂર્તિ 6 ઇંચથી 12 ઇંચ સુધીની પ્રતિમા તૈયાર કરવામાં આવતી હોય છે.

જેની કિંમત રૂપિયા 600થી 1200 નક્કી કરવામાં આવી છે. સખી મંડળની બહેનોએ વર્ષ 2022માં 30, વર્ષ 2023માં 65, વર્ષ 2024માં 100 અને ચાલુ વર્ષ 2025માં અંદાજે 250થી વધુ ગણેશજીની મૂર્તિઓ બનાવીને એનું વડોદરા અને વડોદરા શહેર ઉપરાંત અન્ય રાજ્ય સુધી તેનું વેચાણ કરી પગભર થવામાં સફળતા મેળવી છે. મંડળના પ્રમુખ કનુબેને જણાવ્યું કે, બહેનોએ પર્યાવરણની સુરક્ષા સાથે રોજગારીની પહેલ અંતર્ગત સરકારની યોજનાને સફળ પણ બનાવી છે અને મૂર્તિના વેચાણ થકી અત્યાર સુધી અંદાજે રૂપિયા 40,000 જેટલી આવક મેળવી પોતે પગભર થઈ છે.

ગણેશજીની મૂર્તિનું કુંડામાં વિસર્જન કરવા સાથે છોડ ઉગશે 

તરસાલી શરદ નગર સ્થિત પરિશ્રમ સખી મંડળની બહેનોએ ગણેશજીની જે મૂર્તિ બનાવી છે તે સંપૂર્ણ ઓર્ગેનિક છે અને ગણેશજીની મૂર્તિના હાથમાં જે લાડુ મૂકવામાં આવ્યો છે તેમાં એક બીજ છે. આ પ્રતિમાને તળાવમાં વિસર્જન કરવાની કોઈ જરૂરત નથી. ભક્ત જ્યારે પ્રતિમાને કુંડામાં વિસર્જિત કરે છે તો થોડા સમય બાદ આપોઆપ એ બીજ રોપા અને ત્યારબાદ છોડમાં રૂપાંતરિત થઈ જશે. આમ પર્યાવરણની જાળવણીનો એક સુંદર સંદેશ પણ નાગરિકોને મળવા સાથે પર્યાવરણને થતું મોટું નુકસાન અટકાવી શકાશે.

Tags :