Gujarat

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

By GS TEAM
27 May 20262 mins read
મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

વલ્લભીપુરના મોણપરમાં ભર ઉનાળે પાણીનો કકળાટ

વલ્લભીપુર - વલ્લભીપુરના મોણપર ગામમાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના વિતરણની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ઉશ્કેરાયેલા લોકો ખાસ કરીને મહિલાઓએ પાણી પુરવઠાની કચેરીએ વિરોધ પ્રદર્શન કરી હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયુ હતુ.

જકાતનાકા હાઈવે પર મહિલાઓએ ચક્કાજામ કરતા પોલીસકર્મીઓ દોડી ગયા, ગ્રામજનોની હિજરતની ચિમકી

મોણપરમાં પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાના કારણે સ્થાનિક સ્તરે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ અને બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નાછૂટકે ખારું પાણી પીવાના કારણે ગામમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો વકરી રહ્યો છે. આઘાતજનક બાબત એ છે કે, બીમાર લોકોને દવા લેવા માટે પણ શુદ્ધ પાણી નસીબ થઈ રહ્યું નથી.ગામની અંદાજે ૪૫૦૦ની વસ્તી સામે દૈનિક દોઢ લાખ લીટર પાણીની જરૃરિયાત છે, જેની સામે તંત્ર દ્વારા માત્ર ૧ લાખ લીટર પાણી જ ફાળવાય છે. આ અપૂરતો જથ્થો લોકોની તરસ છિપાવવામાં નિષ્ફળ રહે છે.  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વલ્લભીપુર દ્વારા કાગળ પર પૂરતો જથ્થો આપીએ છીએ તેવા દાવા કરાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. તંત્રની આ ઉદાસીન કામગીરી સામે લોકોની ધીરજનો અંત આવતાં મહિલાઓએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીએ જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને જકાતનાકા હાઇવે પર ચક્કાજામ કરતા પોલીસ તંત્ર દોડી આવ્યુ હતું. આ વેળા ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો સમસ્યા હલ નહીં થાય તો તેઓ ગામ છોડીને હિજરત કરવા મજબૂર બનશે.