વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો
પંદર દિવસથી પાણી વિતરણ નહીં કરતા હાલત કફોડી
મહિલાઓ ઉગ્ર રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન કરવની ચીમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગર - વઢવાણના ડાંગસીયાવાડ સહિત આસપાસના વિસ્તારોમાં પંદર દિવસથી વધુ સમયથી પીવાનું પાણી વિતરણ નહીં કરતા રહીશોની હાલત કફોડ બની છે. ભરચોમાસે પાણી વિતરણ નહીં કરતા રોષે ભરાયેલીા મહિલાઓએ વઢવાણ ધરમ તળાવ ખાતે આવેલી પાણીની ટાંકી ખાતે હોબાળો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ સમસ્યાનો તાકિદે ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
વઢવાણના ડાંગસીયાવાડ તેમજ રેલવે સ્ટેશન પાછળના વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા ભર ચોમાસે કોઈ કારણોસર છેલ્લા ૧૫ દિવસ કરતા પણ વધુ સમયથી પીવાનું પાણી પુરૃ પાડવામાં આવ્યું નથી જેના કારણે મહિલાઓ સહિત સ્થાનિક રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા રોષે ભરાયેલ મહિલાઓ વઢવાણ ધરમતળાવ ખાતે આવેલી પાણીની ટાંકી ખાતે એકત્ર થયા હતા અને પાણીની સમસ્યા અંગે રોષ સાથે રજૂઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા નિયમીત અને પુરતું પીવાનું પાણી આપવામાં નહીં આવે તો ધરણા, રસ્તા રોકો સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે રેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારને પાણી પુરૃ પાડતો ધોળીધજા ડેમ બારે મહિના પાણીથી ભરેલો હોવા છતાં મનપા તંત્રની બેદરકારીના કારણે તમામ વોર્ડ વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ચુકી છે અને અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીની સમસ્યાઓ અંગે પોકારો ઉઠી રહ્યાં છે.