Get The App

મેયરના પડોશી મહિલાઓએ મનપાએ ધસી જઈ રસ્તા, પાણી પ્રશ્ને રોષ ઠાલવ્યો

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
મેયરના પડોશી મહિલાઓએ મનપાએ ધસી જઈ રસ્તા, પાણી પ્રશ્ને રોષ ઠાલવ્યો 1 - image

રાજકોટમાં મનપામાં ટોળુ આવે ત્યારે જ તંત્રને સમસ્યા દેખાય -સમજાય! : મહિલાઓએ કહ્યું મેયરના ઘરે રજૂઆત કરવા જઈએ તો તેમના  પતિ ના પાડે છે, એટલે ઘરકામ મુકીને મેયરની ઓફિસે આવ્યા

 રાજકોટ, : રાજકોટમાં કુવાડવા રોડ પર મીરાં પાર્ક વિસ્તારમાં રહેતા મેયરના વિસ્તારમાં જ લોકો સમસ્યાથી ત્રસ્ત છે. આજે મેયરના ઘર નજીક ગુરૂદેવ પાર્કમાં રહેતી મહિલાઓનું ટોળુ મનપામાં મેયર ચેમ્બરે ધસી આવ્યું હતું અને ભંગાર રસ્તા તથા પીવાનું પુરતું પાણી નહીં મળવાની સમસ્યા મુદ્દે રોષ ઠાલવ્યો હતો.

સામાન્ય રીતે જનપ્રતિનિધિનું ઘર નજીક હોય ત્યારે પડોશમાં રહેતા લોકો મનપા સંબંધી નેતાના ઘરે જઈને રજૂ કરતા હોય છે. પરંતુ, આ મહિલાઓએ પોતાના ઘરકામ છોડીને મહાપાલિકામાં રૂબરૂ આવવા માટે એવું કારણ જણાવ્યું કે તેઓ જ્યારે મેયર નયનાબેન પેઢડીયાના ઘરે રજૂઆત કરવા જાય ત્યારે તેમના પતિ અહીં ઘરે ફરિયાદ કરવા નહી આવવાનું તેમ કહીને પરત મોકલી દે છે.આથી મનપાએ રજૂઆત કરાઈ છે. 

મનપામાં વોર્ડવાઈઝ એન્જિનિયરો સહિત અનેકવિભાગનો વોર્ડવાઈઝ સ્ટાફ મુકાયો છે અને દરેક કામગીરીના સંકલન માટે જંગી પગારખર્ચ ચૂકવીને વોર્ડ ઓફિસરો પણ મુકાયેલા છે પરંતુ,આમ છતાં મોટરકારમાં ફરતા આ અફ્સરોને જમીન ઉપરની સમસ્યા સ્વયં દેખાતી નથી કે તે તરફ નજર મંડાતી નથી, વળી એક ફરિયાદ કોલ કે રજૂઆત પત્ર પર લક્ષ્ય આપીને તુરંત કામગીરી થતી નથી જેના પગલે લોકોએ કામકાજ છોડીને સામુહિક રીતે રજૂઆત કરવાનું વલણ  વધતું રહ્યું છે.