કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા
અક્ષતા સોસાયટીમાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણીની સમસ્યાથી રહીશો પરેશાન
કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે માટલા ફોડી તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરના વોર્ડ નં. 7માં સમાવિષ્ટ કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યા મુદ્દે પાછલા બે વર્ષથી રહીશો બૂમો પાડી રહ્યા છે. પાછલા પખવાડિયાથી પાણી ઓછા પ્રેશરથી ઓછા સમય માટે વિતરણ થતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સોસાયટીની મહિલાઓએ એકત્ર થઈ સત્તાપક્ષ અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, સ્થાનિક કાઉન્સિલર તથા કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓને આ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પાછલા 16 દિવસથી માત્ર 10 - 15 મિનિટ પાણીનું વિતરણ થઈ રહ્યું છે, અને તેમાં પણ મોટાભાગે દૂષિત પાણી મળી રહ્યું છે, સમયસર વેરો ભરીએ છીએ પરંતુ, સુવિધા મળી રહી નથી, રોજિંદા જનજીવન ઉપર અસર થઈ રહી છે.