સરકારના વાંકે ગિરનારમાં મહિલા યાત્રિકો ક્ષોભજનક સ્થિતિમાં, પર્વત પર પાણીનો ભાવ 70 થી 80 રૂપિયા
Junagadh Girnar News : ગરવા ગિરનારની યાત્રાએ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. ગિરનાર પર પાયાની જરૂરિયાત એવા પાણી કે શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી યાત્રિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. પાણી માટે પર્વત પર 70થી 80 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. હવે વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી મોટી સંખ્યામાં ગિરનાર પર યાત્રિકો આવશે પરંતુ શૌચાલય ન હોવાથી મહિલાઓને લઘુશંકા માટે દરદર ભટકવું પડી રહ્યું છે. સારાં- સારાં ઘરની મહિલાઓને જંગલના વિસ્તારમાં લઘુશંકા માટે જવા મજબૂર થવાની વાસ્તવિકતા તંત્ર માટે શરમજનક છે.
તંત્રએ ગિરનાર પર અંબાજી મંદિર નજીક શૌચાલય બનાવ્યા બાદ ધ્યાનમાં આવ્યું કે, પાણી પહોંચી શકે તેમ નથી તેના કારણે શૌચાલયને બંધ રાખવામાં આવ્યા છે. વેકેશનના સમયમાં દરરોજ સેંકડો યાત્રિકો ગિરનારની યાત્રાએ જાય છે. ગિરનાર પર ક્યાંય શૌચાલય ન હોવાથી મહિલાઓને મોટી મુશ્કેલી પડી રહી છે. પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર ભાવિકો પરેશાની ભોગવી રહ્યા છે. અંબાજી મંદિર આસપાસના વિસ્તારમાં એક પાણીની બોટલના 70થી 80 રૂપિયા દેવા ભાવિકો મજબૂર બની રહ્યા છે.
તંત્ર દ્વારા ગિરનાર પર પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ થઈ રહ્યા છે પરંતુ ગિરનાર પર આવતા યાત્રિકો પાણી-પાણી કરતા જાણે કે ટળવળતા જોવા મળે છે. ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાથી પાણીની મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. વધુ પૈસા દેવા છતાં ખુલ્લું પાણી પીવું પડે એ માટે યાત્રિકોનું મન માનતું નથી. છેલ્લા ઘણા દિવસોથી ગિરનાર પર મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર આવતા યાત્રિકોમાં સૌથી વધુ મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓને લઘુશંકા જવા માટે આમતેમ ભટકવું પડે છે ત્યારબાદ અમુક વિસ્તારમાં જ જંગલમાં જઈ શકાય તેવી જગ્યા હોવાથી ત્યાં ખુલ્લામાં લઘુશંકા કરવા માટે મજબુર બનવું પડતું હોવાથી મહિલાઓમાં સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી જોવા મળતી હતી.
સૌરાષ્ટ્રના મોટાં તીર્થમાં ગણાતા ગિરનાર પર સરકાર અને તંત્ર સામાન્ય એવી પાણીની કે શૌચાલયની વ્યવસ્થા કરી શકતું નથી, જેના કારણે વેકેશન કે તહેવારોના સમયમાં યાત્રિકોની ભીડ ગિરનાર પર થાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાય છે. કેટલાય સમયથી ગિરનાર પર પાણીની વ્યવસ્થા કરવાના તથા ગિરનારના વિકાસ કરવાના મસમોટા દાવાઓ થઈ રહ્યા છે પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ગિરનાર પર આવેલા યાત્રિક મહિલાઓએ આ મુદ્દે સરકારની અને વહીવટી તંત્રની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, અમો ક્યારેય આવી રીતે ખુલ્લી જગ્યામાં લઘુશંકા કરવા માટે ગયા નથી. ગિરનાર જેવા પવિત્ર યાત્રાધામ પર જંગલ જેવા વિસ્તારોમાં ખુલ્લામાં લઘુશંકા માટે જવું પડે તેનાથી બીજી શરમજનક ઘટના કઈ હોય તેવા સવાલો ઉઠાવી રોષ વ્યક્ત કર્યો હતો.