Get The App

વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા 1 - image

Diwali 2025: સનાતન ધર્મમાં દીપોત્સવના પવિત્ર તહેવાર પર પ્રકાશનું મહત્ત્વ અનેકગણું હોય છે, અને જ્યારે આ દીવા ગૌમાતાના છાણમાંથી બનેલા હોય, ત્યારે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ વધુ વધી જાય છે. વડોદરાના ડભોઈ ખાતે સ્લમ વિસ્તારની મહિલાઓ દ્વારા ગૌ-છાણમાંથી તૈયાર કરાયેલા અંદાજે ત્રણ લાખ દીવા હવે પવિત્ર કાશી નગરી સુધી પહોંચશે. આ દીવા દેવદિવાળીના શુભ અવસરે ગંગાજીના ઘાટ પર પ્રજ્વલિત કરવામાં આવશે.

મહિલાઓને મળ્યો રોજગાર

મળતી માહિતી અનુસાર, ડભોઈના સ્લમ વિસ્તારોમાંથી આશરે 60 મહિલાઓ આ પવિત્ર કાર્યમાં છેલ્લા 15 દિવસથી જોડાઈ છે. આ મહિલાઓ દરરોજ સરેરાશ 300થી 400 દીવા તૈયાર કરે છે. આ પ્રયાસ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવાની અને રોજગાર મેળવવાની તક મળી છે, કારણ કે તેમને દરેક દીવા દીઠ એક રૂપિયો ચૂકવવામાં આવે છે.

ગૌ-છાણના દીવાની વિશેષતા

આ પ્રોજેક્ટ અંગે મંજુબહેન પટેલ માહિતી આપતા જણાવ્યું કે, 'આ દીવા બનાવવા માટેનું છાણ દેશી ગાયોની ગૌશાળાઓમાંથી એકત્ર કરવામાં આવે છે. છાણને પલ્વરાઇઝર મશીન દ્વારા બારીક પાવડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી તેને ઓર્ગેનિક મૈદા સ્ટિક સાથે મિશ્રિત કરવામાં આવે છે. વિશેષતા એ છે કે કિલો છાણ દીઠ માત્ર 20 ગ્રામ મૈદા સ્ટિકનો ઉપયોગ થાય છે.'



આ પણ વાંચો: દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ


પર્યાવરણને અનુકૂળ દીવા

આ ગૌ-છાણના દીવાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખનો ઉપયોગ જમીનમાં ઉત્તમ ખાતર અથવા જૈવિક જંતુનાશક તરીકે પણ થઈ શકે છે. આ ઉપક્રમ સંપૂર્ણપણે શુદ્ધ અને સ્વદેશી હોવાની સાથે પર્યાવરણને સહેજ પણ નુકસાન ન પહોંચાડે તેવો છે.

આમ ડભોઈની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા આ દીવા માત્ર એક વસ્તુ નથી, પણ ગૌ-સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સુરક્ષાના ત્રિવેણી સંગમ સમાન છે, જે હવે કાશીના પવિત્ર ઘાટને પ્રકાશિત કરવા માટે તૈયાર છે.