રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે
વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓ યથાવતઃ તાકિદે સ્મસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
લખતર - લખતરમાં કુંભાર શેરીમાં રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓનો તાલુકા પંચાયત કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ સમસ્યાનો તાકિદે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
લખતર શહેરના કુંભાર શેરી વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વાસ્મોની પીવાના પાણીની લાઈનોમાં લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. આ સમસ્યાઓથી કંટાળીને આજે કુંભાર શેરી વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને લખતર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ, તૂટેલા રસ્તા અને અંધારાને કારણે વૃદ્ધો તથા બાળકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મહિલાઓએ અધિકારીઓ સમક્ષ રોષ ઠાલવતા માંગ કરી હતી કે રસ્તા અને લાઈટની સુવિધા તાત્કાલિક પૂરી પાડવામાં આવે. રજૂઆત દરમિયાન મહિલાઓએ ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે. સામે પક્ષે, વહીવટી અધિકારીઓએ પ્રશ્નો સાંભળીને વહેલી તકે જરૃરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની લેખિત ખાતરી આપી હતી, જેના પગલે હાલ પુરતો મામલો થાળે પડયો છે.


