બુટલેગરો, દારૂડિયાઓના ત્રાસથી પરેશાન મહિલાઓ ગામડેથી જેતપુર પહોંચી વહેલી સવારમાં દારૂડિયાઓ ડેલા ખખડાવીને બાળકો અને મહિલાઓને ડરાવે ,પોલીસ સાંભળતી નથી, ફરિયાદ કરવા જાય તો દારૂડિયાઓ અને પોલીસ ધમકી આપે
જેતપુર, : જેતપુર તાલુકાના ખારચિયા ગામે રાજ્ય સરકારે બુટલેગરોને જાહેરમાં દારૂનું વેચાણ કરવાનું લાયસન્સ આપી દીધું હોય એમ દારૂબંધી વચ્ચે આ ગામમાં દારૂની બદી વકરી જતાં બુટલેગરો અને દારૂડિયાઓ બેફામ બનતા કંટાળી ગયેલી મહિલાઓના ટોળાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
મહિલાઓએ જણાવ્યું હતું કે ખારચિયા ગામે દારૂનું દુષણ વકરી ગયું છે અહી કોઈ રોકટોક વગર વેચાણ થાય છે જેના કારણે નાના છોકરાઓથી લઈ મોટા પુરૂષો વ્યસનની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. દારૂડિયાઓ વહેલી સવારથી જ ડેલાઓ ખખડાવવા લાગે છે. મહિલાઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે. એક મહિલાએ વેદના ઠાલવીને કહ્યું હતું કે હું મારા છોકરાને સ્કૂલે મુકવા ગઈ ત્યારે દારૂડિયાઓ નશામાં ચકચૂર થઈને રસ્તામાં પડયા હતા. અમો જો દારૂ વેચનારાને કહેવા જઈએ તો એ કહે છે કે તમારાથી થાય એ કરી લ્યો ! હદ તો
ત્યારે થાય છે કે જયારે અમે પોલીસ ફરિયાદ કરવા જઈએ ત્યારે પોલીસવાળા ઉલટાના અમને જ ધમકાવે છે. અન્ય એક મહિલાએ ગંભીર ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અમો બધા જેતપુર રજુઆત કરવા આવી રહ્યા હતા એ વખતે રસ્તામાં જ અમોને બુટલેગરોની ફોન પર ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી. તમે ત્યાંથી પાછા વળી જાઓ નકર તમારા પર હુમલો કરશું ! આ શખ્સો અમને મનફાવે એવી ગાળો ભાંડે છે અને મારવાની ધમકી આપે છે. આ બાબતે મહિલાઓએ મામલતદારને આવેદનપત્ર આપી તાકિદે દારૂના અડ્ડા કાયમી અસરથી બંધ કરાવવા માગણી કરી છે અને જો સત્વરે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.


