Get The App

NDPSના કેસમાંથી છોડાવવાનું કહી મહિલા વકીલે રૂ.૪૦ લાખ પડાવ્યા

મહિલા વકીલે પોતાના પતિ દિલ્હી ક્રાઇમબ્રાંચમાં હોવાની ઓળખ આપી

રાણીપમાં રહેતી મહિલા વકીલ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી પતિ પત્નીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાની શક્યતા

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
NDPSના કેસમાંથી છોડાવવાનું કહી મહિલા વકીલે રૂ.૪૦ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે કૃષ્ણનગરમાં રહેતી મહિલાના પતિને એનડીપીએસના કેસમાંથી છોડાવવાનું કહીને રૂપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ રાણીપ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપી મહિલા વકીલે તેનો પતિ દિલ્હી ક્રાઇમબ્રાંચમાં હોવાથી તે લાગવગથી છોડાવી આપશે તેવી ખાતરી આપી હતી.  આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

શહેરના કૃષ્ણનગરમાં રહેતી ૩૫ વર્ષીય હિરલ ( નામ બદલેલ છે)ના પતિની ગત ૨૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટીક્સ દ્વારા એનડીપીએસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેથી હિરલે તેના પતિને છોડાવવા માટેની પ્રક્રિયા કરવા માટે તેના પિતાના મદદ માંગી હતી. જે દરમિયાન તેમના પરિચિત  મેઘના દવે ( ખોડીયારવાસ, સ્વામીનારાયણ મંદિર પાસે, રાણીપ)નો સંપર્ક થયો હતો. વકીલ મેઘના દવેએ  હિરલબેનને ખાતરી આપી હતી કે તે એક મહિનામાં તેમના પતિને છોડાવી આપશે. કારણ કે તેના પતિ મેહુલ જાની દિલ્હી ક્રાઇમબ્રાંચમાં નોકરી કરે છે.

તે એનડીપીએસના કેસના તપાસ અધિકારીને મળીને કેસના કાગળ કઢાવીને કોર્ટની કાર્યવાહીમાં મદદ કરશે.  જેથી હિરલબેનને મેઘના પર વિશ્વાસ બેસતા તેમણે  ૧ નવેમ્બર ૨૦૨૩થી ૧૬ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અલગ અલગ સમયે કુલ ૪૦.૪૬ લાખ જેટલી રકમ ચુકવી આપી હતી. 

આ દરમિયાન મેઘના દવેએ તેના પતિ મેહુલ જાની સાથે હિરલબેનની મુલાકાત કરાવી હતી. આ સમયે મેહુલ જાનીએ તેમને પોલીસનુ આઇડી પણ બતાવ્યું હતું.  એટલુ જ મેઘના દવેએ ચાર્જશીટની કોપી પણ ફોનમાં બતાવી હતી. જો કે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે કોઇ કાર્યવાહી કરી જ નહોતી અને વકીલાતનામુ કે અન્ય કાગળો પણ તૈયાર કર્યા નહોતા. આ અંગે  રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ  કે વાય વ્યાસે જણાવ્યુ કે હાલ મેઘના દવે ફરાર છે. મેઘના દવેના વકીલાતના અંગે ગુજરાત બાર એસોશીએશનમાં વિગતો મંગાવવામાં આવી છે.

Tags :