બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા
મહિલાને છાતીમાં દુખાવો થતો હોઇ ઇકો અને ઇ.સી.જી. કઢાવવા ગઇ હતી
વડોદરા,બરોડા હાર્ટ હોસ્પિટલમાં ઇકો અને ઇ.સી.જી. કરાવવા ગયેલી મહિલાના ગળામાંથી સોનાના ડોકિયાની ચોરી થઇ હતી. જે અંગે અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે.
અટલાદરા ગુણાતિત સોસાયટીમાં રહેતા રીનાબેન મેહુલભાઇ પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મને બે - ત્રણ દિવસથી છાતીમાં દુખાવો થતો હોઇ હું તથા મારા પતિ સવારે સાડા દશ વાગ્યે અમારા ઘરેથી મોપેડ લઇને ભાયલી ગામે હાડવૈદ્યને બતાવવા માટે ગયા હતા. તેઓએ અમને હાર્ટની હોસ્પિટલમાં ઇકો તથા ઇ.સી.જી. ની તપાસ કરાવવા માટે ચકલી સર્કલ પાસે બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં તપાસ કરાવવા માટે ગયા હતા. ત્યાં હાજર હોસ્પિટલનો સ્ટાફ મને ઇકો તથા ઇ.સી.જી. કરાવવવા માટે એક રૃમમાં લઇ ગયા હતા. ઇકો અને ઇ.સી.જી. કરાવી બહાર આવી અમે બાકડા પર બેઠા હતા. ત્યારે અમારા ગળા પર અચાનક હાથ ફેરવતા ગળામાં પહેરેલું સોનાનું બે તોલા વજનનું ડોકિયું ગાયબ હતું.