Gujarat

વડસર બ્રિજ નજીક ચા ની લારી પર મહિલાનો અછોડો તૂટયો

By GS TEAM
8 Jul 20251 min read
વડસર બ્રિજ નજીક ચા ની લારી પર મહિલાનો અછોડો તૂટયો

વડોદરા,વડસર બ્રિજ પાસે ચા ની લારી ચલાવતી મહિલાના ગળામાંથી સોનાની એક તોલા વજનની ચેન તોડીને આરોપી ભાગી ગયો હતો. જે અંગે માંજલપુર  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

માંજલપુર કોતર તલાવડી નજીક પારસ નગરમાં રહેતા જૈમીત્રાદેવી રામાશંકર ગીરી વડસર બ્રિજ રોડ પર અભિનંદન મારબલની બાજુમાં ચાની લારી ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે  હું ચા ની લારી પર હતી. સવારે પોણા છ વાગ્યે એક છોકરો મારી લારી પર આવ્યો હતો. તેણે મારી પાસે ચા માંગતા મેં કહ્યું કે, ચા બનાવતા વાર લાગશે. તેણે મારી પાસે બિસ્કિટ માંગતા હું બિસ્કિટ લેવા માટે ડબો ખોલતી હતી. તે દરમિયાન તે છોકરાએ મારા  ગળામાંથી સોનાની એક તોલા વજનની ચેન  તોડી લીધી હતી. ત્યારબાદ તે છોકરો દોડીને થોડે દૂર ઉભેલા તેના સાગરીતની બાઇક પર બેસીને ભાગી ગયો હતો. હું ગભરાઇ ગઇ હતી અને મારી દીકરીને કોલ કર્યો હતો.આરોપીની ઉંમર અંદાજે ૪૫ વર્ષની હતી.તેણે કાળા કલરનો રેઇનકોટ પહેર્યો હતો અને હિન્દી ભાષા બોલતો હતો. પોલીસે સીસીટીવી  ફૂટેજના આધારે બાઇક સવાર બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો એક તોલાનો ભાવ અંદાજે ૧ લાખ છે. પરંતુ, પોલીસે એક તોલા વજનની સોનાની ચેનની કિંમત માત્ર ૫૦ હજાર જ ગણી છે.