વડોદરા : સસ્તા ભાવે સોનું આપવાની અને કરોડોની લોન મંજૂર કરી અપાવવાના બહાને રૃા.૪.૯૨ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ રેગ્યુલર જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કેસ એક ગંભીર આર્થિક ગુનો છે અને તેમાં આરોપી વિરુદ્ધ પ્રથમદર્શી કેસ જણાઇ રહ્યો છે.
કેસની વિગત એવી છે કે, વડોદરામાં રાધે એન્ટરપ્રાઇઝ ઈમ્પોર્ટ એક્સપોર્ટ
એન્ડ ફાયનાન્સની ઓફિસ ખોલી આરોપી રાજવીર, વિશાલ બારડ અને
નયના મહીડાએ ફરિયાદી મંજુ આર રવીને સસ્તું સોનું આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ
ફરિયાદીને રૃા. ૧૦ કરોડની લોન અપાવવાના બહાને કમિશન પેટે ૩૧ લાખ મેળવ્યા હતા
અને સસ્તામાં સોનું આપવાનું જણાવી રૃા.૪.૬૧ કરોડ મેળવ્યા હતા અને આમ કુલ ૪,૯૨,૫૦,૦૦૦ની છેતરપિંડી
આચરવામાં આવી હતી. આ બનાવ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા નયનાબહેન મનહરસિંહ મહીડાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીના દીકરા આકાશ મહીડાના ખાતામાં પણ છેતરપિંડીની રકમ જમા થઈ છે. આરોપી સામે અન્ય ચાર સમાન ગુનાની ફરિયાદો થયેલી છે.તપાસ હજુ ચાલુ છે અને અન્ય આરોપીઓને પકડવાના બાકી હોવાથી જો જામીન આપવામાં આવે તો તપાસમાં અડચણ ઉભી થઈ શકે છે.ન્યાયાધીશે અરજદાર નયનાબહેન મહીડાની જામીન અરજી નામંજૂર કરી હતી.


