બર્થડેના દિવસે જ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી મહિલાનો આપઘાત

વડોદરા,વાસણા ભાયલી રોડ પર રહેતા અને વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતું દંપતીએ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણમાં હતું. આજે સવારે પત્નીએ માતાને કોલ કરીને ટેરેસ પરથી નીચે પડતુ મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, આજે જ તેઓની બર્થડે હતી.
વાસણા ભાયલી રોડ નિલાંબર સર્કલ પાસે બેલીસીમો એપાર્ટમેન્ટમાં રહેતા ટ્વિંકલ તરંગકુમાર પારેખ (ઉં.વ.૪૩) અને તેમના પતિ બંને વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા હતા. આજે સવારે તેમના સંતાનો સ્કૂલે ગયા હતા. તેમના પતિ કામ માટે બહાર ગયા હતા.ટ્વિંકલબેન ઘરે એકલા હતા. અંદાજે પોણા અગિયાર વાગ્યે તેમણે માતાને કોલ કરીને કહ્યું કે, હું બહુ આર્થિક સંકડામણમાં છું. બહુ ટેન્શનમાં છું. મારે જીવવું નથી. આટલી વાત કરીને તેણે કોલ કટ કરી દીધો હતો. માતાને ફાળ પડતા તેમણે તરત પુત્રને ટ્વિંકલના ઘરે મોકલ્યો હતો. ભાઇએ એપાર્ટમેન્ટની નીચે જઇને કોલ કર્યો ત્યારે ટ્વિંકલે કહ્યું કે, હું ચોથા માળે રહું છું પણ હાલમાં સાતમા માળે છું. જેથી, ભાઇએ લિફ્ટનું બટન દબાવી લિફ્ટ નીચે આવવાની રાહ જોતો હતો. ત્યારે જ તેની બહેને એપાર્ટમેન્ટની અગાશી પરથી નીચે પડતું મૂકતા જોરદાર અવાજ આવ્યો હતો. ભાઇએ દોડીને જઇને જોયું તો તેની બહેન જ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બહેનને લઇને ભાઇ સૌ પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, તેની તબિયત ગંભીર હોઇ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, તેનો જીવ બચ્યો નહતો.
વોચમેન પાસેથી ટેરેસની ચાવી લઇ ઉપર ગયા
વડોદરા,
પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ટેરેસ પર કોઇને પણ જવા દેવામાં આવતા નથી. જે રહીશને કામ હોય તેમણે વોચમેન પાસે સહી કરી કારણ જણાવી ચાવી લઇ જવાની હોય છે. ટ્વિંકલબેને ટીવીની ડીસ ખરાબ થઇ ગઇ હોવાનું જણાવી નીચે જઇ વોચમેન પાસેથી ચાવી લઇ ટેેરેસ પર જઇ નીચે પડતુ મૂક્યું હતું.








