Get The App

ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ 1 - image

- નડિયાદની છઠ્ઠા એડિશનલ સેશન્સ કોર્ટેનો ચુકાદો 

- બે વર્ષ પહેલા બાળકોના રમવા બાબતે તકરાર થઈ હતી, આરોપી દંડની રકમ ના ભરે તો વધુ 3 મહિનાની સજા

નડિયાદ : નડિયાદની છઠ્ઠા એડિશનલ સેશન્સ કોર્ટે ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે નાખુટી ગામે બે વર્ષ પહેલા બાળકોના રમવા જેવી બાબતે થયેલી તકરારમાં પડોશી પર એસિડ ફેંકવાના ગુનામાં મહિલા આરોપીને કસૂરવાર ઠેરવી છે. અદાલતે એસિડ હુમલો કરનાર સપનાબેન ઝાલાને ૫ વર્ષની સખત કેદની સજા અને ૧૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે નાખુટીમાં રહેતા ગુણવંતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને વિક્રમસિંહ સામંતસિંહ ઝાલા વચ્ચે ૦૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રિના સમયે ઝઘડો થયો હતો. ગુણવંતસિંહ ઝાલાએ વિક્રમસિંહને 'તમારા છોકરા કેમ અમારા ઘર બાજુ રમવા આવે છે' તેમ કહી અપશબ્દો બોલ્યા હતી. આ તકરાર દરમિયાન ગુણવંતસિંહે લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. તે સમયે ગુણવંતસિંહના પત્ની સપનાબેન ઝાલાએ પ્લાસ્ટિકના ડબલામાં રાખેલું એસિડ કાઢી વિક્રમસિંહ અને અન્ય સાહેદો પર ફેંક્યું હતું.

આ એસિડ હુમલામાં વિક્રમસિંહને કપાળના ભાગે, કરણભાઈને ગાલ પર અને હિતેશભાઈને બરડા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ પૂર્ણ કરી નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અદાલતે આરોપી સપનાબેન ઝાલાને આઈ.પી.સી. કલમ ૩૨૬(બી) હેઠળ ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૩ મહિનાની સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે દંડની રકમમાંથી ઈજાગ્રસ્તોને ૫,૦૦૦-૫,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.