પરિવારને ગુમાવનાર મહિલાને સયાજીમાંથી રજા આપી
રાજ્યના આરોગ્ય સચિવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
વડોદરા,ગંભીરા ગામ નજીક મહિસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા દરિયાપુરનો એક પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. પરિવારની બચી ગયેલી મહિલાને સારવાર પછી તબિયત સારી હોઇ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
પાદરા નજીકના ગંભીરા ગામ નજીકનો બ્રિજ ધરાશાયી થતા નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંહ ખાનસિંહ રાજપૂત, રાજુભાઇ ડોડાભાઇ, દિલીપ રાયસિંહ પઢિયાર તથા સોનલબેન રમેશભાઇ પઢિયારને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સોનલબેન પઢિયાર તેમના પરિવાર સાથે બગદાણા દર્શન કરવા જતા હતા અને દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમના પતિ, દીકરો, દીકરી સહિત પરિવારના છ ના મોત થયા હતા. સોનલબેનની તબિયત સારી હોઇ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આજે સાંજે રાજ્યના આરોગ્ય સચિવ સયાજી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ ડોક્ટર સાથે વાતચીત કરી હતી.