દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ ખંખેરી
Vadodara : કલાલી વિસ્તારમાં રહેતા અને રાચ્છ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા કવિતાબેનને ગઈ તા.5 માર્ચના રોજ ઇન્નાટોશ હોલીડે ઈમેઈલ થકી એક વ્યક્તિએ એસટીએચ જર્ની સોલ્યુશન પ્રા.લિ. હોવાની ઓળખ આપી વિવિધ પેકેજ બાબતે જણાવ્યું હતું. તેણે કવિતાબેનને ગ્રાહકોનું કમિશન મોકલી આપી પણ વિશ્વાસ કેળવ્યો હતો. આ વ્યક્તિ સાથે વિવિધ ફ્લાઈટ, હોટેલ બુકિંગનો વેપાર સફળ રહેતા વિશ્વાસ સંપાદન થયો હતો.
તા.5 મેના રોજ ઠગ દ્વારા કવિતા બેનને દુબઈ પેકેજ રૂ 85,500નો ઈમેલ મળ્યો હતો. જેમાં 30 લોકોના ગ્રુપે પેકેજ બુક કરાવ્યું હતું. જે પાછળથી વધીને 64 લોકો માટેનું પેકેજ થયું હતું. આ ઉપરાંત વિયેતનામ માટેનું રૂ.91,500નું દિવાળી પેકેજ રાજકોટના બીજા એક ગ્રુપને આપ્યું હતું. પરંતુ ઠગ દ્વારા મોકલેલી દુબઈ પેકેજ માટેના ફ્લાઇટની ટિકિટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. અબુધાબીના પેકેજમાં કોઈ સુવિધા ન આપી રિટર્ન ટિકિટ આપી ન હતી.
આમ, ભેજાબાજે ઈમેલ તથા વોટ્સએપ થકી સફળ બુકિંગ કરી કવિતાબેનને વિશ્વાસમાં લઈ ડુપ્લીકેટ ટિકિટો આપી રૂ.80.36 લાખ બેંક મારફતે, રૂ.10.51 લાખ ઓનલાઇન તથા રૂ.1,04,47,450 આંગડિયા મારફતે ટ્રાન્સફર કરાવડાવી કુલ રૂ.1,95,34,450ની ઠગાઈ આચરી હતી.
વડોદરા સાયબર સેલે આ ગુનામાં ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ બેંક મારફતે વિગતો મેળવી પુણેમાં વોચ રાખી હતી અને મહિલા ટ્રાવેલ એજન્ટને બોગસ એર ટિકિટો અને પેકેજ મોકલનાર શૈલેષ બિદરપ્પા બિદવેને ઝડપી પાડયો છે.