દ્વારકામાં કૂટણખાનું ઝડપાયું, દેહ વ્યાપાર કરાવતી મહિલા, કિન્નર પકડાયા
નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસે દરોડો પાડયો
વિવિધ સ્થળેથી મહિલાઓને બોલાવી પોતાનાં ઘરે અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હતી, 3 મહિલાઓ છોડાવાઇ
જામખંભાળિયા, દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસર રીતે થતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી એક આધેડ મહિલા તેમજ તેના સાગરીત એક કિન્નરની અટકાયત કરી લીધી હતી. આ સાથે અન્ય ત્રણ મહિલાઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિથી બચાવી લેવામાં આવી છે.
આ ચકચારી પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પોલીસની પાસે શુક્રવારે એક મહિલાએ આવીને શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ રજૂ કરી હતી. આને અનુલક્ષીને દ્વારકાના પી.આઈ. આકાશ બારસિયા તેમજ તેમની ટીમે નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડી જુબીબેન જુસબભાઈ ઓસમાણભાઈ શેખ નામના ૫૦ વર્ષના મહિલા પોતાના ઘરે બહારથી સ્ત્રીઓને બોલાવીને વેશ્યાવૃતિનું કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. અહીં ઉપરોક્ત મહિલાએ તેના અન્ય એક સાથી એવા સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનસભાઈ અંબાળા (ઉ.વ. ૨૮) નામના કિન્નરની સાથે મળીને આર્થિક રીતે મજબૂર સ્ત્રીઓને નાણાકીય લાલચ આપી, બહારથી વેશ્યાવૃતિનો ધંધો કરવા માટે સ્ત્રીઓને બોલાવવામાં આવતી હતી. જ્યાં અન્ય ગ્રાહકો મેળવી આપી તેની પાસે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવી આ રીતે હિન પ્રવૃત્તિ દ્વારા પોતાનું ગુજરાન ચલાવાતું હતું.
આરોપી મહિલા તેમજ તેની સાથેના કિન્નર દ્વારા પોતાના મકાનનો કુટણખાના તરીકે ઉપયોગ કરી આર્થિક રીતે મજબૂર સ્ત્રીઓને પોતાના ઘરમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરવા માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવતી હોવાનું જાહેર થયું હતું.
અહીં રહેલી ત્રણ મજબૂર સ્ત્રીઓને પોલીસે છોડાવી અને કાયદેસરની કાર્યવાહી કરી, આરોપી જુબીબેન શેખ અને કિન્નર સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનસભાઈની અટકાયત કરવામાં આવી હતી.