પિયરમાં દાગીના મુકવા જતી મહિલાના 4.5 તોલા દાગીના ચોરનાર મહિલાચોર પકડાઈ
Vadodara Theft Case : પિયરમાં દાગીના મુકવા જતી મહિલાના પર્સમાંથી દાગીના ચોરી કરનાર મહિલાચોરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી.
ડભોઇના થુવાવી ગામે રહેતી સુધાબેન ચાવડા ગઈ તા. 16મી એ હાલોલ રહેતા માતાને ત્યાં દાગીના મુકવા જતી હતી ત્યારે વડોદરા એસટી ડેપો પર બસમાં ચઢતી વખતે તેના થેલામાંથી દાગીનાનું પર્સ ચોરાયું હતું.
બનાવની જાણ સયાજીગંજ પોલીસને ધરાવતા કરાતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. જે દરમિયાન એક મહિલા પેસેન્જરની ભીડમાં ધક્કામૂક્કી કરતી નજરે પડી અને થોડી જ વારમાં પરત ફરી રિક્ષામાં જતી દેખાઈ હતી.
પોલીસને આ મહિલા પર શંકા જતાં રીક્ષાનો નંબર તપાસી ડ્રાઇવરને શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન આ મહિલા જ્યાં ઉતરી હતી ત્યાંનું એડ્રેસ મળ્યું હતું. જેથી પોલીસે તે વિસ્તારમાં પૂછપરછ કરતાં મહિલા ઓળખાઈ ગઈ હતી.
પોલીસે બાપોદ નજીક મહાકાળી વુડાના મકાનમાંથી લીલા ઉર્ફે વાદી સુકિયા દેવધા (મૂળ દેવધા ગામ,દાહોદ) ની આકરી પૂછપરછ કરતા તેણે દાગીના ચોર્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સાડા ચાર તોલાના દાગીના કબજે કરી ધરપકડ કરી હતી.