Gujarat

બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા

By GS TEAM
13 Jan 20261 min read
બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા

- પોલીસને ગુમરાહ કરવા પરિણીતાએ ખોટું નિવેદન નોંધાવ્યું હતું

- પીએમ રિપોર્ટમાં પત્નીએ જ પતિનું ગળું દાબી હત્યા કર્યાનું સત્ય બહાર આવેલું

બોટાદ : બોટાદમાં પતિનું ગળું દાબી ઠંડા કલેજે હત્યા કરનાર પત્નીને બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

બોટાદમાં છએક વર્ષ પૂર્વે કિશોરભાઈ રમેશભાઈ ચાવડા નામના યુવકની તેમના ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જે બનાવ અંગે પોલીસે પ્રાથમિક પૂછતાછ કરતા મૃતકના પત્ની ભાનુબેનએ પોલીસને ગુમરાહ કરવા પતિ  કિશોરભાઈએ ગળાફાંસો ખાધો હોવાનું ખોટું નિવેદન આપ્યું હતું. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં મૃતકનું પીએમ થતાં તેનું ગળું દબાવવાથી હત્યા થયાનો ડોક્ટરનો અભિપ્રાય આવ્યો હતો. જેના આધારે પોલીસે શકમંદ મહિલા ભાનુબેન ચાવડાની આગવીઢબે પૂછતાછ કરતા તેણી ભાંગી પડી હતી અને પતિની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. જેના આધારે બોટાદ પોલીસે મહિલા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વર્ષ ૨૦૨૦ના ફેબુ્રઆરી માસમાં બનેલી આ ઘટનાની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ-બોટાદમાં સુનવણી ચાલતા ફરિયાદી પક્ષે ૧૨ સાક્ષી તપાસવામાં આવ્યા હતા. તેમજ ૩૩ દસ્તાવેજી પુરાવા અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એમ.જે.પરાસરે મહિલા આરોપી ભાનુબેન ચાવડાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.