જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર
Jamnagar : જામનગરમાં અંધઆશ્રમ આવાસના 45 નંબરના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું અને એક મહિલા સંચાલક દ્વારા બહારથી રૂપલલનાઓને બોલાવીને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડયો હતો, અને કુટણખાનામાંથી એક પુરુષ ગ્રાહક અને ત્રણ મહિલાઓને શોધી કાઢી હતી. ઉપરાંત કુટણખાના સંચાલક મહિલાની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા 6,300 ની રોકડ રકમ અને 502 નંગ કોન્ડમના પેકેટ વગેરે કબજે કર્યા છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં બ્લોક નંબર 45 માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની મહિલા દ્વારા પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પોતાના ઘરમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દઈ કુટણખાનું ચલાવાઇ રહ્યું છે. જે બાતમીના આધારે સીટી ડીવાયએસપી જે.એન ઝાલા, ઉપરાંત મહિલા પી.એસ.આઇ ટી.ડી.બુડાસણાએ અન્ય પોલીસ ટુકડીને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન એક રૂમની અંદરથી એક સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે રૂમમાં અમદાવાદ અને રાજકોટની સ્ત્રીઓ હાજર મળી આવી હતી, અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી બાદ મહિલા પીએસઆઈ ટી.ડી. બુડાસણાં સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કુટણખાનું ચલાવનાર સંચાલક નીતાબેન મહેન્દ્રભાઈ વાળા (55) સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3(1), 3(2એ), 4(1), 4(2સી), 5(1,એ) અને 5(1.ડી.) મુજબ ગુનો નોંધ્યો છે, જ્યારે પુરુષ ગ્રાહકો માટેની એકત્ર થયેલી રૂપિયા 6300 ની રોકડ રકમ ઉપરાંત 502 નંગ કોન્ડોમના બોક્સ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.
સિલાઈ કામ કરતી મહિલા શહેરના પુરુષ ગ્રાહકોના ટાંકા ભીડવવા 1,000 રૂપિયા ઉઘરાવતી હતી
જામનગરના અંધ આશ્રમ વિસ્તારના રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની મહિલા કે જે પોતે સિલાઈનું કામ કરતી હતી, પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવાના ભાગરૂપે પોતાના ઘરમાં કુટણખાનું ચલાવવાનું નક્કી કરી લીધું હતું, અને શહેરના લગ્નના જીવનસાથી ન હોય તેવા પુરુષો, તેમજ સ્ત્રીઓ સાથે મૈત્રી સંબંધ ન હોય તેવા પુરુષ ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી.
જેના માટે અમદાવાદથી બે અને રાજકોટથી એક મળી ત્રણ સ્ત્રીઓને પુરુષોની હવસ સંતોષવા માટે બોલાવવામાં આવી હતી. જેમાં પોતે પ્રત્યેક પુરુષ ગ્રાહક પાસે 1000 ઉઘરાવતી હતી, અને તેમાં પોતાની પાસે 500 રૂપિયા રાખી લેતી, અને 500 રૂપિયા બહારથી આવેલી મહિલાને આપવામાં આવતી હતી. આખરે પોલીસે તે અંગેની બાતમીના આધારે દરોડો પાડયો હતો, અને કુટણખાનું પકડી પાડ્યું હતું. આ કાર્યવાહીને લઈને અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે, અને મોડે સુધી સ્થાનિક રહેવાસીઓ ટોળા સ્વરૂપે એકત્ર થઈ ગયા હતા.