Gujarat

તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

By GS TEAM
3 Dec 20251 min read
તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

વડોદરા, તા.3 તરસાલી વિસ્તારની સોસાયટીમાં સવારે એક મહિલાને વોશરૃમમાં પૂરી ચોરો ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ ઉઠાવી ગયા  હતાં.

તરસાલીમાં વિજયનગર પાસે મહાકાળી માતાના મંદિર પાસે રહેતા મિનાક્ષીબેન નિર્મલભાઇ રાજપુતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  તા.૩૦ના રોજ સવારે મારા પતિ તેઓની નાસ્તાની લારી પર ગયા હોવાથી તેમને નાસ્તાનો સામાન આપવા માટે મારો મોટો પુત્ર સિધ્ધેશ ગયો હતો અને ઘરમાં હું કામ કરતી હતી તેમજ નાનો પુત્ર કિર્તેશ ઊંઘતો  હતો.

દરમિયાન હું વોશરૃમમાં ગઇ ત્યારે કબાટ ખોલવાનો અવાજ આવતા મેં વોશરૃમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતાં બહારથી સ્ટોપર બંધ કરી દીધી હોવાથી દરવાજો ખૂલ્યો ન હતો. જેથી મેં અંદરથી બૂમ મારી મારા નાના પુત્રને જગાડતા તે જાગી ગયો હતો અને વોશરૃમનો દરવાજો ખોલ્યો હતો. બાદમાં તપાસ કરતા હોલના કબાટના લોકરમાંથી મારા લગ્ન સમયના સોનાના દાગીના તેમજ રોકડ રૃા.૨૦ હજાર મળી કુલ રૃા.૧.૪૦ લાખની ચોરી થઇ હોવાનું જણાયું  હતું.