Gujarat

અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત

By GS TEAM
27 Feb 20262 mins read
અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત

માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે

રસોઈ કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે અડાલજ-ઝુંડાલ હાઇવે પર શુક્રવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતા રસોઈના કામે જઈ રહેલા ૩૫ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને તેમાં હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં શહેર નજીક આવેલા અડાલજ માર્ગ ઉપર વધુ એક અકસ્માતની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ વિસ્તારમાં ભાડે રહેતા મુકેશગિરી ગોસ્વામીના પત્ની હેતલબેન શુક્રવારે બપોરે પોણા બારેક વાગ્યે પોતાના એક્ટિવા પર સવાર થઈને અનવ્ય પરમેશ્વર ખાતે રસોઈના કામ માટે નીકળ્યા હતા. બપોરે અડાલજ-ઝુંડાલ રોડ પર નર્મયા નવી બનતી સાઈટ સામે હાઇવે પર પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું.

ટક્કર એટલી જોરદાર હતી કે, હેતલબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ હેતલબેનના ફોન પરથી તેમના પતિને જાણ કરી હતી. પતિ મુકેશગિરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે હેતલબેન લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક હેતલબેનને સાત વર્ષની એક દીકરી નિરાલી છે. પતિ મુકેશગિરીએ જણાવ્યું હતું કે, તેઓ પોતે ૨૦ દિવસ પહેલા ઓપરેશન કરાવ્યું હોવાથી હાલ ઘરે જ હતા. રસોઈ કામ કરીને ઘર ગુજરાન ચલાવવામાં મદદ કરતા હેતલબેનના અચાનક અવસાનથી માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.