Gujarat

મહિલા કાર ચાલકની અડફેટે ઘાયલ થયેલી મોપેડ સવાર મહિલાનું મોત

By GS TEAM
24 Aug 20252 mins read
મહિલા કાર ચાલકની અડફેટે ઘાયલ થયેલી મોપેડ સવાર મહિલાનું મોત

ગાંધીનગરના સેક્ટર-૧૧માં એલઆઇસી ઓફિસ પાસે

ટૂંકી સારવાર દરમિયાન મહિલાએ દમ તોડયો પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં મુખ્ય માર્ગો બાદ હવે આંતરિક માર્ગો ઉપર પણ અકસ્માતો વધી રહ્યા છે ત્યારે સેક્ટર-૧૧માં એલઆઇસી ઓફિસ પાસે મહિલા કાર ચાલક દ્વારા મોપેડ સવાર મહિલાને અડફેટે લેવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું છે. જેથી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે મુખ્ય માર્ગોેને બાદ કરતા આંતરિક માર્ગો ઉપર પણ વધતી જતી અકસ્માતની ઘટનાઓ ચિંતા કરાવી રહી છે ત્યારે શહેરના સેક્ટર ૧૧માં એલઆઇસી ઓફિસ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત થયું છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ ગાંધીનગર પાસે ન્યુ વાવોલમાં રહેતા અને મૂળ ગીર સોમનાથના વેરાવળના ગંગાબેન યશવંતસિંહ પરમાર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. ગત ૧૯ ઓગસ્ટના રોજ તેઓ સાંજના સમયે સેક્ટર ૧૧માં એલઆઇસી ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે જતી મહિલા કારચાલક દ્વારા તેમને હડફેટે લેવામાં આવ્યા હતા અને આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. જ્યારે ઘાયલ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટનામાં જીએસડીએમ ખાતે ફરજ બજાવતા તેમના પતિની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે પરંતુ મહિલા કાર ચાલકની ઓળખ થઈ હોવા છતાં તેના નામ જોગ ગુનો દાખલ કેમ કરવામાં નથી આવ્યો તે પણ એક તપાસનો વિષય છે.