ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત

- ને.હા. નં.-48 પર કંજરી કોલ્ડ સ્ટોરેજ નજીક
- પેટલાદના ચાંગા ગામનું દંપતી ખંડિત બોરીઆવી સાસરીથી પરત ફરતા અકસ્માત
પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં રહેતા માનસિંગભાઈ બચુભાઈ ચુનારા તેમના મિત્ર ચુનીભાઇ સનાભાઇને દુધાળું પશુ લેવાનું હતું. જેથી તેઓ પત્ની સરોજબેનને સાથે લઈ મોટરસાયકલ પર બોરીઆવી સાસરીમાં ગયા હતા. બોરીઆવીથી સાંજે મોટરસાયકલ પર પરત ચાંગા આવી રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નંબર-૪૮ કંજરી રઘુકુળ કોલ્ડ સ્ટોરેજ નજીક પાછળથી આવેલી આઇસર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક પર બેઠેલા ત્રણેય રોડ ઉપર પટકાયા હતા.
માનસિંગભાઈ તેમજ ચુનીભાઇને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે સરોજબેન માનસિંગભાઈ ચુનારા પર આઇસર ગાડીના પાછળના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર ઈજા પામેલા સરોજબેનને ૧૦૮ મારફત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સરોજબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માનસિંગભાઈ બચુભાઈ ચુનારાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે આઇસર ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.