સંતાનોને નોકરી અપાવવાની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ
વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામના સ્ક્રિનશોટ બતાવી દેવા ધમકી આપી હિનકૃત્ય આચર્યાની ફરિયાદ
જૂનાગઢ, : વંથલી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને તેના સંતાનોને નોકરી અપાવવા લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઈન્સ્ટાગ્રામના સ્ક્રિનશોટ બતાવી દેવા ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા વંથલી પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી તાલુકાના એક ગામમાં રહેતા મહિલાના સંતાનોને નગાજણ વિરમ થાપલીયાએ નોકરી લગાડી દેવાની લાલચ આપી અગાઉ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલા આ શખ્સ સાથે સબંધ રાખવા માંગતી ન હોવા છતાં નગાજણે ઈન્સ્ટાગ્રામના સ્ક્રિનશોટ બધાને બતાવી દેવા અને તેની બદનામ કરવા ધમકી આપી ફરી બે વખત દુષ્કર્મ કર્યું હતું. આ શખ્સના હિનકૃત્યથી કંટાળી જઈ મહિલાએ ગત રાત્રે ફરિયાદ કરતા વંથલી પોલીસે નગાજણ વિરમ થાપલીયા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.