કમાટીબાગમાં જોયટ્રેનની અડફેટે આવી જતાં મહિલાએ હાથ ગૂમાવ્યોઃ20 મહિના પછી ફરિયાદ
વડોદરાઃ કમાટીબાગમાં જોયટ્રેનની અડફેટે તાજેતરમાં એક બાળકીનું મોત નીપજવાના બનેલા બનાવની જેમ ૨૦ મહિના પહેલાં એક મહિલાએ જોયટ્રેનના અકસ્માતમાં હાથ ગૂમાવતાં તેણે ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે.
વાડી મોટીવોરવાડ ખાતે અલવી એપાર્ટમેન્ટમાં રહેતી સુમૈયા ખાતુન મહંમદ ઇમ્તિયાઝ ખજૂરીવાલાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧-૧૦-૨૦૨૩ના રોજ હું મારા બાળકો અને નણંદો સાથે કમાટીબાગમાં ગઇ હતી.
સાંજના સમયે બાળકો દોડાદોડી કરતા હતા ત્યારે હું પાટા પાસે ઉભી હતી.આ વખતે એકાએક ટ્રેન આવી ગઇ હતી.ડ્રાઇવરે હોર્ન પણ વગાડયું નહતું.જેથી હું ગભરાઇ જતાં દૂર થવા ગઇ ત્યારે એન્જિનની એન્ગલ સાથે બુરખો ભેરવાઇ ગયો હતો.ધક્કો વાગવાથી હું નીચે પડી જતાં મારા હાથ પરથી ટ્રેન પસાર થઇ હતી.સારવાર દરમિયાન મારો હાથ કાપવો પડયો હતો.મને કહેવા છતાં કોઇ વળતર આપવામાં આવ્યું નહતું.
સયાજીગંજ પોલીસે આ ફરિયાદ અંગે ડ્રાઇવર મહેન્દ્ર જયંતિભાઇ માળી(લાલબાગ બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે,કાશી વિશ્વનાથ નજીક) સામે ગુનો નોંધ્યો છે.