Gujarat

પરિચિતને મદદ કરવા જતાં મહિલાએ 20 તોલા દાગીના ગૂમાવ્યાઃદાગીના ગીરવી લઇ બોગસ ચેક આપનાર ઝડપાયો

By GS TEAM
21 Jun 20251 min read
પરિચિતને મદદ કરવા જતાં મહિલાએ 20 તોલા દાગીના ગૂમાવ્યાઃદાગીના ગીરવી લઇ બોગસ ચેક આપનાર ઝડપાયો

વડોદરાઃ ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પરિચિતને મદદ કરવા જતાં ૨૦ તોલા દાગીના ગૂમાવવાનો આવ્યો છે.જેથી તેણે આ દાગીના પરત મેળવવા ગોરવા પોલીસની મદદ લેતાં પોલીસે દાગીના ગીરવી લઇ બોગસ ચેક આપનાર યુવકની ધરપકડ કરી છે.

ઇલોરાપાર્ક ઓઢવપુરા ખાતે રહેતા સોનિયાબેને પોલીસને કહ્યું છે કે,મારે ત્યાં બેસવા માટે આવતા નિલાબેન બ્રહ્મભટ્ટનો પુત્ર હર્ષદ રાકેશકુમાર બ્રહ્મભટ્ટ(આકાશ ગંગા શિવપુરી કોમ્પ્લેક્સ,ઓઢવપુરા) પ્રોપર્ટી અને જીએસટીને લગતું કામ કરે છે.જેથી મારા પરિચિત જૈનિશને એક મહિના માટે રૃ.૨૦ લાખની જરૃર હોવાથી મેં હર્ષદને વાત કરી હતી.

હર્ષદે દાગીનાની સામે ૨૦ લાખ અપાવવાની ખાતરી આપતાં મેં તા.૧૯મી માર્ચે ઓઢવપુરાના મંદિર પાસે તેને ૨૦૦ ગ્રામ દાગીના આપ્યા હતા.જેની સામે તેણે મને ૨૦ લાખનો ચેક આપ્યો હતો.પરંતુ આ ચેક  બાઉન્સ થયો હતો.હર્ષદ પાસે દાગીનાની માંગણી કરતાં તેણે દાગીના છોડાવવા મારી પાસે બીજા રૃ.૧.૦૬ લાખ લીધા હતા.પરંતુ આ જ સુધી દાગીના પરત મળ્યા નથી અને પોલીસ મારું કાંઇ બગાડી શકવાની નથી તેમ કહી ઉડાઉ જવાબો આપી રહ્યો છે.

મહિલાએ દાગીના પરત મેળવવા માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હર્ષદ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી દાગીના વિશે પૂછપરછ હાથ ધરી છે.