વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત
શ્વાસની બીમારીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા

વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી મહિલાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વડીયા ટેકરી ગામે ૪૮ વર્ષના રેખાબેન રમણભાઇ વસાવા પરિવાર સાથે રહે છે. તેઓને શ્વાસની તકલીફ હોઇ અવારનવાર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવતા હતા. તેઓનો પુત્ર ખેતીકામ વ્યસ્ત હોઇ તેઓ એકલા જ સયાજી હોસ્પિટલમાં આવતા હતા. ગત ૨૪ મી તારીખે રેખાબેન સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. સવારે તેઓ સયાજી હોસ્પિટલના પાછળના ગેટ સામે જેલ રોડ પરથી ચાલતા જતા હતા. તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક તેઓને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે રેખાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

