અછોડાતોડને પકડવા દોડેલી મહિલાને લૂંટારાએ ધક્કો મારતાં થાંભલા સાથે ભટકાઇ
વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં વહેલી સવારે વોક માટે નીકળેલી મહિલાનો અછોડો તૂટતાં તેણે લૂંટારાને પડકાર્યો હતો.પરંતુ લૂંટારો મહિલાને થાંભલા સાથે અથાડીને ફરાર થઇ ગયો હતો.
સમતાના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રૃચિતાબેન અયનભાઇ પટેલે પોલીસને કહ્યું હતું કે,ગઇકાલે વહેલી સવારે ચાલવા માટે નીકળી ત્યારે સુભાનપુરા હાઇટેન્શન રોડ થી આગળ નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ એક યુવકે પીછો કર્યો હતો.
જય યોગેશ્વર સોસાયટી-૧ પાસે લૂંટારો મારો પેન્ડન્ટ સાથેનો અછોડો લૂંટીને ભાગતાં હું તેની પાછળ દોડી હતી.જેથી અછોડાતોડે મને ધક્કો મારતાં હું થાંભલા સાથે અથડાઇ હતી.ત્યારબાદ આગળ બાઇક પર માસ્ક પહેરી ઉભેલા બે સાગરીતોની પાછળ બેસી લૂંટારો ફરાર થઇ ગયો હતો.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.