Get The App

વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ 1 - image

Vadodara Theft Case : વડોદરાના તરસાલી વિસ્તારની સોસાયટીમાં એક મહિલાને વોશરૂમમાં પૂરી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ ઉઠાવી જનાર સોસાયટીની જ મહિલાને પોલીસે ઝડપી પાડી ત્રણ લાખના દાગીના કબજે કર્યા છે.

તરસાલીમાં વિજયનગર પાસે મહાકાળી માતાના મંદિર પાસે રહેતા મિનાક્ષીબેન નિર્મલભાઇ રાજપુતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૩૦ના રોજ સવારે મારા પતિ તેઓની નાસ્તાની લારી પર ગયા હોવાથી તેમને નાસ્તાનો સામાન આપવા માટે મારો મોટો પુત્ર સિધ્ધેશ ગયો હતો અને ઘરમાં હું કામ કરતી હતી તેમજ નાનો પુત્ર કિર્તેશ ઊંઘતો હતો.

દરમિયાન હું વોશરૂમમાં ગઇ ત્યારે કબાટ ખોલવાનો અવાજ આવતા મેં વોશરૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતાં બહારથી સ્ટોપર બંધ કરી દીધી હોવાથી દરવાજો ખૂલ્યો ન હતો. જેથી મેં અંદરથી બૂમ મારી મારા નાના પુત્રને જગાડતા તે જાગી ગયો હતો અને વોશરૂમનો દરવાજો ખોલ્યો હતો. બાદમાં તપાસ કરતા હોલના કબાટના લોકરમાંથી મારા લગ્ન સમયના સોનાના દાગીના તેમજ રોકડ રૂ.20 હજારની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

આ બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરવામાં આવી હતી. દરમિયાનમાં પોલીસ અમીશ્રદ્ધા વુડાના મકાન પાસે એક મહિલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસતા તેની પાસેથી રૂ.ત્રણ લાખના દાગીના મળી આવ્યા હતા. નીતુ અલ્કેશભાઈ શાહ નામની આ મહિલા વિજયનગર સોસાયટીમાં રહેતી હતી અને આ જ સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હોવાથી પોલીસે આખરી પૂછપરછ કરતા મહિલાએ સોસાયટીના મકાનમાં ઘૂસી જઈ મકાનમાં રહેતી મહિલા વોશરૂમમાં જતા જ તેને પૂરી દઈ દાગીનાની ચોરી કર્યાની કબુલાત કરી હતી.