Gujarat

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા

By GS TEAM
21 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા છારોડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લૂંટના ઈરાદે અથવા અદાવતમાં થયેલી હત્યા હોવાનું જણાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: છારોડી ગામે વૃદ્ધાની હત્યા! હત્યારાઓએ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા

Ahmedabad Crime News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા છારોડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લૂંટના ઈરાદે અથવા અદાવતમાં થયેલી હત્યા હોવાનું જણાઈ રહ્યું છે.

બંધ મકાનમાંથી મળી આવ્યો મૃતદેહ

મળતી વિગતો અનુસાર, છારોડી ગામમાં રહેતા 65 વર્ષીય મદીનાબાનુ કુરેશી નામના વૃદ્ધાના ઘરની બહાર મોડે સુધી તાળું જોવા મળતા ગ્રામજનોને શંકા ગઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવની આશંકાએ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સાણંદ GIDC પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે મદીનાબાનુનો લોહીલુહાણ દેહ મળી આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા SOG, LCB અને FSLની ટીમો પણ તાત્કાલિક છારોડી ગામે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અજાણ્યા શખસોએ વૃદ્ધા પર કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. એટલું જ નહીં, હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકા છે.

પોલીસનો કાફલો અને તપાસનો ધમધમાટ

હત્યાની આ ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. શું લૂંટના ઈરાદે હત્યા થઈ?, શું કોઈ અંગત અદાવત જવાબદાર છે? હાલ આ સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

વૃદ્ધાની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સાણંદ GIDC પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.