પુત્રીને શાળાએથી મૂકીને પરત ફરતી મહિલાના ગળામાંથી દોરાની તફડંચી
ગાંધીનગરમાં ચેઈન સ્નેચરોનો તરખાટ
ઘર નજીક જ મોપેડ ઉપર એકલા આવેલો ચેઈન સ્નેચર ૮૦ હજારનો દોરો તોડીને ફરાર થઈ ગયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે સેક્ટર ૨૬માં આવેલી કિસાનનગર વસાહતમાં ચાલતી જઈ રહેલી મહિલાના ગળામાંથી મોપેડ ઉપર આવેલા ચેઈન સ્નેચરે ૮૦ હજારનો દોરો તોડી લીધો હતો. જે સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને આ ચેઈન સ્નેચરની શોધખોળ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં એક બાજુ ઘરફોડ ચોરીના બનાવો વધી
રહ્યા છે ત્યારે હવે છેલ્લા થોડા દિવસોથી ચેઈન સ્નેચરો સક્રિય થયા છે. ગઈકાલે
સરગાસણમાં ટીપી ૯ વિસ્તારમાં ચાલતા જઈ રહેલા વૃદ્ધના ગળામાંથી અઢી લાખ રૃપિયાના
સોનાના દોરાની ચીલ ઝડપ કરવામાં આવી હતી ત્યારે હવે ગાંધીનગર શહેરમાં પણ સેક્ટર ૨૬
ખાતે કિસાનનગરમાં રહેતા મયુરીબેન હરેશભાઈ પટેલના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ
કરવામાં આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મયુરીબેન
ગઈકાલે સવારે તેમની પુત્રીને સેક્ટર ૨૨માં આવેલી ગુરુકુળમાં મૂકીને રિક્ષામાં પર
ઘરે ગયા હતા. આ દરમિયાન તેઓ ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા તે સમયે એક મોપેડ સવાર
યુવાન તેમની સામે આવ્યો હતો અને ત્યારબાદ તેણે તેનું મોપેડ વાળીને મયુરીબેનના
ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટયો હતો. મયુરીબેને
બૂમાબૂમ કરવા છતાં તે હાથમાં આવ્યો ન હતો. જેથી તેમણે તુરંત જ તેમના પતિને જાણ કરી
હતી અને ત્યારબાદ આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ૮૦
હજારના સોનાના દોરાની ચીલ ઝડપનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઈન સ્નેચરની
શોધખોળ શરૃ કરી છે.