Get The App

દયાપરમાં કાપડનો વ્યવસાય કરતી મહિલા સાથે ઓનલાઇન 1.14 લાખની ઠગાઇ

Updated: Feb 18th, 2025

GS TEAM


Google News
Google News
દયાપરમાં કાપડનો વ્યવસાય કરતી મહિલા સાથે ઓનલાઇન 1.14 લાખની ઠગાઇ 1 - image


અજાણ્યા કાપડના વેપારી કપડાનો સોદો કરીને ગુગલ પે મારફતે નાણા પડાવી લીધા

દયાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભોગબનાર મહિલાને તેની પૂરેપૂરી રકમ પરત અપાવી

ભુજ: લખપતના દયાપર ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા મહિલાને અજાણ્યા શખ્સે પોતે કાપડનો વેપાર કરતા હોવાનું જણાવીને કાપડની ડીઝાઇનો મોકલીને ગુગલ પેથી રૂપિયા ૧,૧૩,૯૭૫ મેળવી કાપડ કે રૂપિયા ન આપીને છેતરપીંડી કરી હતી. ભોગબનારે દયાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાના ગયેલા રૂપિયા પરત અપાવી દઇ સરાહનીય કામગીરી કરી હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ દયાપર ગામે રહેતા સહેનાઝબેન હબીબભાઇ નોતિયાર જે કાપડનો વ્યવસાય કરતા હોઇ તેમને એક અજાણયા નંબરથી ફોન આવ્યો હતો. અને કાપડના વેપારી તરીકેની પોતાની ઓળખ આપીને ફરિયાદી મહિલાને કપડા જોઇતા હોય તો, ડીઝાઇન મોકલવાનું કહીને ડીઝાઇન મોકલાવી હતી. ત્યાર બાદ ફરિયાદી મહિલાએ અજાણ્યા ફોનધારકને ગુગલ પેથી રૂપિયા ૧,૧૩,૯૭૫ મોકલી આપ્યા હતા. બાદમાં કપડા ન આવતાં મહિલાને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું જણાતાં તેમણે તરત દયાપર પોલીસનો સંપર્ક કર્યો હતો. દયાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદીની ગયેલી પૂરેપૂરી રકમ મહિલાના એકાઉન્ટમાં પરત અપાવી દીધી હતી. દયાપર પોલીસ મથકના ઇન્સ્પેકટર વી.વી.ભોલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અજયભાઇ એસ. દેશાઇએ કાર્યવાહી કરી હતી.

Tags :