Gujarat

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત

By GS TEAM
14 Dec 20251 min read
ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત

- ગારિયાધારના પરવડી ગામના ગેટ પાસે

- દંપતિ લૌકીક કામ પતાવી ગારિયાધારથી સુરનગર પરત આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત નડયો

ભાવનગર : ગારિયાધાર ખાતે લૌકીક કામ પતાવીને પોતાના ગામ સુરનગર ખાતે બાઈક પર પરત આવી રહેલા દંપતિને પરવડી ગામના ગેટ પાસે ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અકસ્માત સર્જી નાસી જનાર ટ્રેક્ટરના ચાલક સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે રહેતા સુરેશભાઈ સંજયભાઈ પરમારે ગારિયાધાર પોલીસ મથકમાં અજય આરશીભાઈ ભીલ (રહે.પરવડી, તા.ગારિયાધાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈકાલે ગારિયાધાર ખાતે લૌકીક કાર્ય પતાવીને તેઓ, તેમના ફુવા તથા અન્ય એક બાઈકમાં તેમના માતા-પિતા પરત પોતાના ગામ સુરનગર ખાતે આવી રહ્યાં હતા ત્યારે બપોરના અઢી પોણા ત્રણ કલાકના અરસામાં પરવડી ગેટ પાસે પહોંચતા એક ટ્રેક્ટરના ચાલકે તેમના મમ્મી-પપ્પાની બાઈકને ઓવરટેક કરી ટલ્લો મારી દઈ અકસ્માત સર્જી નાસી છુટયો હતો. જેમાં તેમના મમ્મી મધુબેન (ઉ.વ.૪૫)ને ગંભીર ઈજાઓ પહોંચતા ઈમર્જન્સી ૧૦૮ મારફત તેમને સારવાર માટે પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાસી જનાર ટ્રેક્ટર ચાલક અજય આરસીભાઈ ભીલ હોવાનું અને તે પરવડી ગામના ભરતભાઈ ગોયાણીની વાડીમાં ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધ્યો છે.