- પેટલાદ-ખંભાત રોડ ઉપર અકસ્માત
- મહિલાને સારવાર અર્થે વડોદરા ખસેડાઈ હતી, બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ
આણંદ : પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટ નજીક મંગળવારે પૂરપાટ ઝડપે જઈ રહેલા એક બાઈકના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પેટલાદ શહેર પોલીસે બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પેટલાદના ટાવર આગળ પ્રવીણભાઈ પ્રભુભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. મંગળવારે તેમના પત્ની પુષ્પાબેન પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટ નજીક રોડ ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે દાવલપુરા તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલી બાઈકના ચાલકે પુષ્પાબેનને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પુષ્પાબેનને ૧૦૮ મારફતે પેટલાદના સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે પ્રવીણભાઈ પ્રભુભાઈ પટેલની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


