ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત
ગાંધીનગર નજીક હિંમતનગર - નરોડા હાઇવે ઉપર
ગાંધીનગર : જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા નરોડા હાઇવે ઉપર ચિલોડા બ્રિજ પાસે મહિલાને અડફેટે લઈ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે ગંભીર રીતે ઘાયલ મહિલાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર છેલ્લા ઘણા
સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે
વધી રહ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા નરોડા હાઇવે ઉપર ચિલોડા બ્રિજ પાસે વધુ
એક હીટ એન્ડ રનની ઘટના બહાર આવી છે.
જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પોલીસને
માહિતી મળી હતી કે, બ્રિજ
પાસે એક અજાણી મહિલાનો મૃતદેહ પડયો છે. જેના પગલે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી
અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ૪૦ થી ૪૫ વર્ષીયની આ મહિલાને કોઈ અજાણ્યો
વાહન ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો છે. જેથી પોલીસ દ્વારા આ મહિલાની ઓળખ માટે
મથામણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેની ઓળખ થઈ શકી નથી. તેના મૃતદેહને
પોસ્ટમોર્ટમ માટે સાદરાની સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ અંગે
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ખાસ
કરીને આ હાઈવે ઉપર વધતી જતી હીટ એન્ડ રનની ઘટનાને પગલે પોલીસે અહીં યોગ્ય સીસીટીવી
સર્વેલન્સ ગોઠવવાની જરૃરિયાત લાગી રહી છે.