- આણંદ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
- ચાલક સહિત 4 શખ્સો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, ટ્રેલર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
આણંદ : બોરસદની કેજીએન ચોકડી નજીક રવિવવારે સાંજના એક ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાલક સહિત અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રેલરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદ તાલુકાના વ્હેરા ગામના રશ્મિકાબેન સંજયભાઈ પરમાર રવિવારે પોતાના પિયર ઉમલાવ ગામે એક સામાજિક પ્રસંગ હોવાથી પોતાના બે પુત્રો જૈમીન અને કેસવને લઈને ઉમલાવ ખાતે ગયા હતા. જ્યાંથી પ્રસંગ પતાવીને તેઓ સાંજના સુમારે રામપુરા પાટિયા નજીકથી બોરસદ તરફ જઈ રહેલ એક રિક્ષામાં સવાર થઈને બોરસદ તરફ આવવા નીકળ્યા હતા. દરમિયાન ભાદરણ ગામેથી એક ૪૦થી ૪૫ વર્ષની મહિલા પણ આ રિક્ષામાં મુસાફર તરીકે સવાર થઈ હતી. રિક્ષા બોરસદની કેજીએન ચોકડી નજીકથી પસાર થઈ રહી ત્યારે સામેથી પુરપાટ આવી ચડેલા એક ટ્રેલરના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો અને તેમાં સવાર ૪૦થી ૪૫ વર્ષ આશરાની મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક તથા રશ્મિકાબેન અને તેમના બે પુત્રો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગે ૧૦૮ને જાણ થતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે રશ્મિકાબેન પરમારની ફરિયાદના આધારે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


