કુતરું કરડયા પછી પુરતી સારવાર લીધી નહોતી
મહિલાએ ત્રીજા સંતાનને જન્મ આપ્યા બાદ હડકવાની અસર થઈ હતી
તળાજા: તળાજા તાલુકાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયાંનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને એકાદ માસ પૂર્વે કુતરું કરડયું હતું. પરંતુ પુરતી સારવાર નહી લેતા મહિલાએ ત્રીજા સંતાનને જન્મ આપ્યા બાદ હડકવાની અસર થતાં મોત નિપજ્યું હતું.
તળાજા તાલુકાના ત્રાપજ ગામની એક મહિલાની ગત તા.૨૨ના રોજ ત્રાપજ સરકારી દવાખાને ડિલિવરી થઈ હતી. ત્રીજા સંતાનના જન્મ બાદ મહિલાને હડકવાની અસર થતાં સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું તા.૩૦ના રોજ મોત નિપજ્યું હોવાનું બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું. બીજી તરફ નવજાત શિશુને કોઈ ગંભીર અસર ન થાય તે માટે સારવાર આપવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે મહિલાને એકાદ માસ પૂર્વે કુતરું કરડયું હતું પરંતુ પુરતી સારવાર નહી લેતા મહિલાનું મોત થતાં નવજાત શીશુ સહિત ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.


