શ્વાન વચ્ચે આવતા બાઈક સ્લીપ થઇ જવાથી મહિલાનું મોત
- નરસંડા ચોકડીએ અકસ્માત સર્જાયો
- આમસરણ પાસે ગાડીની ટક્કરે ટુવ્હીલર સવાર નડિયાદના દંપતી ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
પેટલાદ તાલુકાના બામરોલીના ધર્મેશભાઈ ચતુરભાઈ સેનવા તા.૧૫મીએ માતા કોકીલાબેનને બાઈક પર લઈ દોરડા વેચવા જતા હતા. તેઓ નરસંડા ચોકડી નજીક રેસ્ટોરન્ટ આગળથી પસાર થતા હતા. ત્યારે અચાનક કૂતરું આવતા બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી.
કોકીલાબેન રોડ ઉપર પડતા ગંભીર ઈજાગ્રસ્ત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કોકીલાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ધર્મેશભાઈ સેનવાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ ફેઝાન સોસાયટીના મોહમ્મદ આશિફ હસીમુદીન અન્સારી પત્ની નીલોફરને એક્સેસમાં બેસાડી તા.૧૩/૭/૨૫ના રોજ અમદાવાદ દફનવિધિમાં જતા હતા. દરમિયાન આમસરણ નજીક પાછળથી ગાડીએ ટક્કર મારતા એક્સેસ સવાર બંનેને ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોહમ્મદ આશિફ અનસારીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.