Get The App

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત 1 - image

- આંકલાવના આસોદરથી વાસદ જતા રોડ પર

- વાહનનું ટાયર મહિલાના માથાના ભાગ પર ફરી વળ્યું હતું, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી 

આણંદ : આંકલાવ તાલુકાના આસોદરથી વાસદ જતા રોડ પર કંથારિયાની સીમમાં અજાણ્યા વાહને એક બાઈકને અડફેટે લેતા બાઈક ઉપર સવાર મહિલા રોડ ઉપર પટકાયા બાદ વાહનનું ટાયર માથા ઉપર ફરી વળતા ગંભીર ઈજાથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મૂળ બોરસદ તાલુકાના કંકાપુરાના વતની અને હાલ વડોદરાના સાંકરદા ખાતે રહેતા ચંદુભાઈ અમરસિંહ પરમાર ૨૬મી નવેમ્બરના રોજ પત્ની નીતાને બાઈક ઉપર બેસાડી તેમના મૂળ વતન કંકાપુરા ખાતે આવ્યા હતા. જે બાદ શુક્રવારની વહેલી પરોઢે દંપતિ મોટરસાયકલ કંકાપુરાથી સાકરદા પરત જવા નીકળ્યા હતા. દરમિયાન આસોદર થઈ વાસલ તરફ જઈ રહ્યાં હતા ત્યારે કંથારિયાની સીમમાં આવેલા એક સીએનજી પંપ નજીક પુરપાટ ઝડપે પાછળથી આવી ચડેલા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતિ રોડ ઉપર પટકાયું હતું. જેમાં પત્ની નીતાબેન રોડ ઉપર પટકાતા અજાણ્યા વાહનના ટાયર તેમના માથાના ભાગે ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાલક ચંદુભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ચંદુભાઈ પરમારે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.