જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
- વડોદરામાં રાજવી સમયની ઇમારતોનું આયુષ્ય પૂર્ણતાને આરે
- 4 દરવાજા વિસ્તારમાં 1000 થી વધુ મકાનો જર્જરિતઃ હેરિટેજ વોકને પણ વેગ મળતો નથી
ભદ્રકચેરીને અગડનું મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યાં ગાયકવાડી રાજાઓ હાથીઓ વચ્ચેની કુસ્તી,પહેલવાનો વચ્ચેનો જંગ જેવા સાહસિક ખેલ જોવા આવતા હતા.ભદ્રકચેરી તો સાવ જ જર્જરિત થઇ ગઇ છે અને અંદર જઇ શકાય તેવી પણ સ્થિતિ રહી નથી.પરંતુ વહીવટીતંત્રએ બનાવેલી કમ્પાઉન્ડ વોલ પણ જર્જરિત થઇ ગઇ છે.
પરિણામે આજે સવારે પાણીગેટ થી ભદ્રકચેરી તાલુકા પોલીસ સ્ટેશન પાસેની ૫૦ ફૂટ જેટલી લાંબી અને ૧૦ થી ૧૨ ફૂટ ઉંચી દીવાલ ધડાકા સાથે તૂટી પડતાં ત્યાં બેસી રહેતી ચંપા દેવીપૂજક નામની મહિલાનું મોત નીપજ્યું હતું.
બનાવને પગલે સ્થાનિક આગેવાનો,ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવ્યા હતા.કોર્પોરેશનની ટીમ પણ આવી ગઇ હતી અને મહિલાનો મૃતદેહ કાઢી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.
ચાર દરવાજા વિસ્તારમાં હેરિટેજ વોક પણ કરવામાં આવતી હતી.પરંતુ તેને પણ વેગ મળતો નથી.જ્યારે,ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત ઇમારતોની સંખ્યા સતત વધી રહી છે અને આશરે ૧હજાર જેટલા મકાનો જોખમી બની ગયા છે.