સયાજીગંજ વિસ્તારમાં રોડ ઓળંગતી મહિલાનું કારની અડફેટે મોત
કાર ચાલકે ઉભા રહી એમ્બ્યુલન્સ બોલાવી : પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,સયાજીગંજ વિસ્તારમાં ડિવાઇડર ક્રોસ કરીને રસ્તો ઓળંગતી મહિલાને એક કાર ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સયાજીગંજ સુભાષ નગર ચાર રસ્તા પાસે ઝૂંપડામાં રહેતા મોહિનીબેન રાજેન્દ્રભાઇ સોની કચરો વીણવાનું કામ કરતા હતા. તેમના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. ગઇકાલે રાતે ૧૦ વાગ્યે મોહિનીબેન પારસી અગિયારીની દિવાલ તરફથી સિટિ સેન્ટર તરફ જતા રસ્તા વચ્ચેનું ડિવાઇડર ક્રોસ કરતા હતા. તે સમયે સયાજી હોસ્પિટલ તરફથી પૂરઝડપે આવેલી એક કારના ચાલકે તેઓને અડફેટે લેતા કમરના ભાગે તથા ડાબા કાન પર ઇજા થતા તેઓ બેભાન થઇ ગયા હતા. કાર ચાલકે ઉભા રહી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ત્યાં નજીકમાં રહેતા વ્યક્તિને પોતાનો કોન્ટેક્ટર નંબર આપી જણાવ્યું હતું કે, કંઇ કામ હોય તો કોલ કરજો. મોહિનીબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.