- રૂપિયાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત
- મહિલા ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ઘરે પરત જઈ રહ્યાં હતા, ગામના જ ઈકો ચાલક સામે ગુનો
આણંદ : પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ એક ઇકોએ મહિલાને ટક્કર મારતા મહિલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નિપજ્યું હતું. આ બનાવવા અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઇકોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે રહેતા મનોજભાઈ ચંદુભાઈ પટેલના પત્ની ઉર્વશીબેન અને કાકી રમીલાબેન કાંતિભાઈ પટેલ મંગળવારે ગામમાં ધામક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાંથી તેઓ ઘરે પરત ચાલતા આવી રહ્યા હતા, તે દરમિયાન સાંજના સુમારે ગામના બસ સ્ટેન્ડ નજીક તેઓ રોડ ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલ ઈકોના ચાલકે રમીલાબેનને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત રમીલાબેન પટેલને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે મનોજભાઈ પટેલની ફરિયાદના આધારે ઇકો કારના ચાલક વિપુલ દિનેશભાઈ વાળંદ (રહે. રૂપિયાપુરા) વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


