કાલાવડમાં હેલીપેડ સોસાયટીમાં ચાલી રહેલા વિજ કંપનીના સમારકામના સ્થળે મહિલાએ કામ રોકાવી દઈ હંગામા મચાવ્યો
Jamnagar : જામનગરમાં રવિ પાર્ક વિસ્તારમાં રહેતા અને કાલાવડ જેટકો કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા પંકજભાઈ કચરાભાઈ સોલંકીએ કાલાવડની હેલીપેડ સોસાયટીમાં રહેતી દયાબેન ભીમજીભાઈ મકવાણા નામની એક મહિલા સામે પોતાની અને અન્ય સ્ટાફની ફરજમા રુકાવટ પેદા કરી ફિનાઈલ પી લેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે દયાબેન ભીમજીભાઇ મકવાણા નામની મહિલા સામે ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ 221, 224, 351(2) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી પંકજકુમાર અને તેઓની ટીમ કાલાવડની હેલીપેડ સોસાયટીમાં 66 કેવીની વીજ લાઈનના લોકેશન નંબર 15-16 ની વચ્ચે સમારકામ કરી રહ્યા હતા, અને વિજપોલ પર દોરડા બાંધીને કામ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ઉપરોક્ત મહિલા દયાબેન મકવાણા સ્થળ પર આવી પહોંચી હતી, અને વીજ અધિકારી અને અન્ય સ્ટાફ સાથે તકરાર કરીને કામ રોકાવી દીધું હતું, તેમજ થાંભલામાં બાંધેલા દોરડાને ખોલી નાખ્યા હતા. જો અહીં ફરીથી સમારકામ કરવામાં આવશે, તો પોતે ફીનાઈલ પી લેશે, તેવી ધમકીઓ આપી હોવાથી તેણીની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.