સાવરકુંડલાના દાધિયા ગામે બનેલી કરૂણ ઘટના : ફોનમાં લગ્નના ફોટા, સંતાનોનાં બાળપણ, જૂની યાદો સચવાયેલી હતી જે હવે નહીં મળે એમ માની ગળાફાંસો ખાધો
અમરેલી, : સાવરકુડલા તાલુકાના દાધિયા ગામે એક કરૂણ હૃદયદ્વાવક ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ ફોનમાં સચવાયેલાં લગ્નજીવનનાં સ્મરણો સાથેનો ફોન ખોવાઈ જતાં મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની વધુ વિગત મુજબ દાધિયા ગામે રહેતી મનિષાબેન નીતેશભાઈ ચારોલિયા (ઉ.વ. 22) નામની પરિણીતાના પતિનો ફોન કયાંક પડી ગયો હતો. આ ફોનમાં તેમના લગ્નના ,સંતાનોના અને પોતાનાં અનેક પારિવારિક સ્મરણો સચવાયેલા હતા. જેમાં અનેક ફોટોગ્રાફસ તેમજ વીડિયો હતા. નવો ફોન ખરીદવાની પરિવારમાં શકિત ન હોવાથી તેમજ મધુરી યાદો સાથેનો ફોન ખોવાઈ જતાં આ મહિલા ગુમસુમ બની ગઈ હતી. આખરે આઘાતમાં સરી પડી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં હતાશા છવાઈ ગઈ હતી. આ બનાવ અંગે સાવરકુંડલા પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહને ભાવનગર ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે.


