Get The App

પહેલાં પતિએ અને બાદમાં પ્રેમીએ ત્રાસ આપતાં મહિલાની આત્મહત્યા

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
પહેલાં પતિએ અને બાદમાં પ્રેમીએ ત્રાસ આપતાં મહિલાની આત્મહત્યા 1 - image

પતિ અને પ્રેમી સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ : મૃતક મહિલા અને તેના પતિ વચ્ચે છૂટાછેડાની પ્રોસેસ ચાલતી હતી, સોમવારે મુદ્દત પહેલાં આત્યંતિક પગલું ભર્યું

રાજકોટ, : કોઠારીયા મેઇન રોડ શુભ એપાર્ટમેન્ટ ફલેટ નં. 101માં રહેતી ડોલીબેન (ઉ.વ. 24)એ બે દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હવે તેના ભાઈએ બનેવી અમીત ચંદ્રકાંત આચાર્ય (રહે. હડમતીયા, તા. ગોંડલ) અને પ્રેમી જય મનોજ સોનાગરાના ત્રાસને કારણે તેની બહેને આ અંતિમ પગલું ભર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે આજી ડેમ પોલીસે બંને આરોપીઓ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી જયની ધરપકડ કરી હતી. 

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમા રહેતા અને ગ્રાફીક ડીઝાઈનર તરીકે કામ કરતાં અભિષેક વ્યાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે દિવસ પહેલા સાંજે ગાંધીનગર હતો ત્યારે બનેવી અમીતે કોલ કરી કહ્યું કે મેં અને તારી બહેને છૂટાછેડા લેવા માટે કોર્ટમાં પ્રોસેસ કરી છે.જેમાં સોમવારે મુદત છે. આ માટે તેની બહેનને કોલ કરતાં રિસીવ કર્યો ન હતો. જેથી મિત્ર જયને તેના ઘરે મોકલતા કહ્યું હતું કે ડોલીએ ગળાફાંસો ખાઇ લીધો છે. 

આ વાત સાંભળી તે સગા-સંબંધીઓ સાથે રાજકોટ આવી ગયો હતો. તેની બહેનના લગ્ન પછી થોડો સમય તેનો ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યાર પછી બનેવી તેની બહેન સાથે ઝઘડા કરી તેને હેરાન-પરેશાન કરતો હતો. કોઇ કામધંધો પણ કરતો ન હતો. આ બાબતે તેની બહેન અવારનવાર તેમને ફરિયાદો કરતી હતી. દર વખતે તેઓ સમજાવટ કરતાં હતાં. 

છએક માસ પહેલા તેની બહેન અને બનેવી વચ્ચે ઝઘડો થતાં જૂનાગઢ રહેતાં મોટા બાપુજી હિમાંશુભાઈને ત્યાં સમાધાનની બેઠક થઇ હતી. જેના પગલે તેનો બનેવી તેની બહેનને લઇ ગયો હતો. તેની બહેન હાલ જ્યાં રહેતી હતી ત્યાંના રહીશો પાસેથી જાણવા મળ્યું હતું કે તેની બહેન પંદરેક દિવસ પહેલા જ આ સ્થળે જય સાથે રહેવા આવી હતી. બે દિવસ પહેલાં જય સાથે તેની બહેનને ઝઘડો થયો હતો. 

એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું હતું કે તેની બહેન અને જય છેલ્લા છએક માસથી રિલેશનમાં હતાં. આ રીતે તેની બહેનને શરૂઆતમાં બનેવીએ બાદમાં જયે ત્રાસ આપતાં આખરે આત્મહત્યા કરી લીધી હતી. આજી ડેમ પોલીસે કારખાનુ ધરાવતા જયની ધરપકડ કરી પતિ અમિતની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.