Get The App

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી 1 - image


દિલ્હીની મહિલા સહિત બે વ્યક્તિઓ દ્વારા

કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને શોમાં પ્રીમિયમ વુમન્સ-વેર રજૂ કરવાની લાલચ આપી

ગાંધીનગર :  ગાંધીનગરના કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને લંડન ફેશન શોમાં પ્રીમિયમ વુમન્સ વેર રજૂ કરવાની લાલચ આપીને દિલ્હીમાં રહેતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા ૩૨.૯૧ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની ફ્લેપર-૬ ફેશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર સોનલબેન શૈલેષકુમાર દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,ગત મે મહિનામાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ગૌરવ મંડલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ગૌરવ મંડલ રહે. ન્યુ રાજેન્દ્રનગર, દિલ્હીને તેમની કંપનીના સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમનો પગાર મહિને ૧,૧૦,૦૦૦ નક્કી કરાયો હતો. ગૌરવ મંડલે સોનલબેનને લંડન ફેશન શોમાં તેમના પ્રીમિયમ વુમન્સ-વેર રજૂ કરવા સલાહ આપી હતી. જેથી વિદેશમાં તેમના કપડાનો પ્રચાર અને વેચાણ વધે. ત્યારબાદ ગૌરવ મંડલે સોનલબેનને દિલ્હીના સોનલ જિંદાલનો સંપર્ક કરાવ્યો હતો, જેઓ મેડુશા ફેશન કંપની ચલાવે છે. સોનલ જિંદાલે સેન્ટ ઝોન ચર્ચ, હાઈડ પાર્ક, લંડન ખાતે ફેશન વીક શોમાં ભાગ લેવડાવવાની વાત કરી હતી. આ માટે ૩૨,૯૧,૦૦૦નું અંદાજિત પેમેન્ટ નક્કી થયું. જેથી તેમના દ્વારા બે હપ્તામાં રકમ ચૂકવી દેવામાં આવી હતી. ૧૯ સપ્ટેમ્બરના રોજ શો યોજાવાનો હોવાથી સોનલબેન તેમના પતિ શૈલેષભાઈ અને મેનેજર હેતલ ત્રિવેદીનું જવાનું નક્કી થયું હતું. બીજી બાજુ ગત બે સપ્ટેમ્બરના રોજ

સોનલ જિંદાલે ઇમેલ દ્વારા જણાવ્યું કે તેમની લંડનની કંપનીએ તેમને શોમાં લઈ જવાની ના પાડી છે. આ પછી સોનલબેને લંડન ફેશન વીક એન્ડ ધ સી' કંપનીનો સીધો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમને જાણવા મળ્યું કે મેડુશા કંપનીએ તેમની ડિઝાઇન મોકલી છે, પરંતુ કોઈ ફી જમા કરાવી નથી. જેથી આ બંને વ્યક્તિઓ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Tags :