મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો
Vadodara Crime : વડોદરામાં નવાપુરાના રબારીવાસમાં રહેતા સવિતાબેન પ્રકાશભાઈ ચુનારાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પતિ, પુત્રી, પુત્ર, પુત્રવધુ તથા તેમના બે દીકરીઓ સાથે રહું છું. મારો પુત્ર સવારે 9:00 વાગે નોકરી પર જાય છે અને નોકરી પર જાય ત્યારે તેના બે દીકરીઓને મને સોંપીને તેને પત્નીને પિયરમાં મૂકીને જતો રહે છે. આ બાબતે અવારનવાર અમારે ઝગડા પણ થતા હતા.
ગઈકાલે બપોરે 2:00 વાગે હું તથા મારી દીકરીઓ બંને પૌત્રીઓને લઈને પુત્રવધુને સમજાવા તેના પિયર ગયા હતા. તે સમયે મારો દીકરો ભોલો પણ ત્યાં જ હાજર હતો. મેં મારી પુત્રવધુને કહ્યું કે તારાથી છોકરા સચવાતા ન હોય તો હું પણ અહીં તારી સાથે તારા પિયરમાં રહેવા માટે આવી જવું. મારી વાત સાંભળીને મારો દીકરો એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો આપી ધમકી આપી હતી. મારા છોકરાએ રસ્તામાં પડેલી ઈંટ મારા તરફ ફેંકતા મને પગમાં ઇજા થઈ હતી. મારી પુત્રવધુએ પણ મને ગાળો બોલી માથામાં પથ્થર મારી દીધો હતો. ત્યારબાદ મારો દીકરો ત્યાંથી ભાગી ગયો હતો અને પુત્રવધૂને તેના પિયરવાળા ઘરમાં લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો.