કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ
વડોદરાઃ નવરાત્રીને પગલે આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ નવલખીથી પેટ્રોલિંગની તૈયારીમાં હતા ત્યારે કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભરબપોરે એક મકાનમાં ઘૂસી આવેલા લૂંટારાઓએ એક મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બનતાં ચકચાર વ્યાપી છે.
કારેલીબાગ આમ્રપાલી સોસાયટીમાં રહેતા શાંતિલાલભાઇ જીવાવતને ત્યાં બપોરે ત્રણેક વાગે કમલબેન હાજર હતા તે દરમિયાન તેમને ત્યાં કામ કરતા વિમલભાઇ ઘંટીએ ડબ્બો મુકવા ગયા હતા.આ વખતે પુત્રી પણ સૂઇ રહી હતી.
એકાએક કોઇ વ્યક્તિએ મહિલાનું મોં દબાવી દેતાં તેણે ઘરની કોઇ વ્યકિત મસ્તી કરતી હશે તેમ માનીને છોડી દેવા કહ્યું હતું. પરંતુ લૂંટારાએ જોરથી મોં કસતાં મહિલાએ હું મરી રહી છું..છોડી દે..તેમ કહી બૂમ પાડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ત્યારબાદ શું થયું તેની તેને જાણ નથી.
દરમિયાનમાં વિમલભાઇ આવી ગયા હતા અને તેણે અજાણ્યા માણસને જોતાં શર્ટ પકડતાં તેના પર હુમલો કરી લૂંટારા ફરાર થઇ ગયા હતા.આ વખતે ઘરમાં કેટલોક સામાન વેરવિખેર હતો.પરંતુ કોઇ ચીજ ચોરાઇ હોવાનું જાણવા મળ્યું નથી.બનાવને પગલે કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.